સિંહ શિકારની શોધમાં રાજુલાના પાદર સુધી આવી ચડ્યા, લોકોમાં ફફડાટ
અમરેલીઃ જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. જિલ્લાના ગામડાંઓમાં જ નહીં પણ શહેરોના પાદરમાં પણ સિંહ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે. જેમાં સિંહોને માનવ વસાહત વચ્ચેનું વાતાવરણ વધુ અનુકૂળ આવી રહ્યું છે. સિંહો ગામડાંની બજારો સુધી આવી પશુઓના શિકાર કરી રહ્યાં છે અને આંટાફેરા કરી રહ્યા છે, પરંતુ હવે સિંહો શહેરી વિસ્તાર તરફ વળી રહ્યાં છે. તેથી વન વિભાગની ચિંતા વધી રહી છે. તાજેતરમાં બે જેટલા સિંહો રાજુલામાં આવેલા છતડીયા રોડ ઉપર આવેલા સૂર્યા બંગ્લોઝ સુધી પહોંચ્યાં હતા. જ્યાં અનેક રેસિડેન્ટ સોસાયટીઓ અને સૌથી વધારે માનવ વસાહત વિસ્તાર છે. આ અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સિંહનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
અમરેલી જિલ્લામાં સિંહો હવે શહેરના પાદર સુધી પહોંચી રહ્યા છે. આમ તો રોડ પર પણ અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ઘણીવાર સ્થાનિક વાહનચાલકો દ્વારા મોબાઈલમાં સિંહનો વિડિયો ઉતારવામાં આવતો હોય છે. રસ્તા વચ્ચે સિંહો આવી જવાના કારણે વાહનો ઉભો રાખવાની ફરજ પડતી હોય છે. બે દિવસ પહેલાંના એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં રાજુલામાં સૂર્યા સોસાયટીના આજુબાજુ સિંહ આંટાફેરા મારતા હતા.
રાજુલા શહેરના પ્રવેશ માર્ગ હિંડોરણા માર્ગ ઉપર પણ અગાઉ સિંહો આવી ચડ્યાં હતા. ત્યારબાદ ભેરાઈ પ્રવેશ માર્ગ પર પણ સિંહો આવી ગયા હતા. ત્યારબાદ હવે છતડીયા રોડ પર પણ સિંહો સૂર્યા બંગ્લોઝ સુધી પહોંચતા સ્થાનિક લોકોમાં ચિંતા પેઠી હતી.