Site icon Revoi.in

માઉન્ટ આબુમાં રાત્રે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો ખૂલ્લી રાખી શકાશે નહીં, સરકારે લીધો નિર્ણય

Social Share

અમદાવાદ : ગુજરાતની નજીક આવેલા અને હીલ સ્ટેશન ગણાતા રાજસ્થાનના માઉન્ટ આબુમાં મોડારાત સુધી શરાબની દુકાનો ખૂલ્લી રહેતી હતી. આથી રાજસ્થાનની સરકારે રાતના 8 વાગ્યા સુધી જ શરાબની દુકાનો ખૂલ્લી રાખવાનો આદેશ કર્યો છે. રાતના 8 વાગ્યા બાદ શરાબની દુકાનો ખૂલ્લી રાખનારા સામે પગલાં ભરવા પોલીસ વિભાગને તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ભૂમાફિયા સહિત અન્ય માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મોટો નિર્ણય કરાયો છે. આ માટે વિશેષ અભિયાન ચલાવાયું છે. રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહિ ખૂલે. તેની જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે.  મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વિશે ચિંતા વ્યક્ત કરી કે, પ્રદેશમાં માફિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ  જણાવ્યું હતું કે, જમીનના કેસ વધી રહ્યાં છે. ભૂમાફિયા, દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ અભિયાન તેજ ગતિથી વધારવા કહેવાયું છે. તો બીજી તરફ, અમારી સરકારે રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, તેની સારી અસર પડી છે. હવે જો પ્રદેશમાં રાતે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ દુકાન પર થશે તો પોલીસ અધિકારીઓ જવાબદાર રહેશે. તો સમગ્ર જિલ્લાની જવાબદારી એસપીની રહેશે કે, રાતે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ કરવામાં ન આવે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે. અશોક ગેહલોતે કહ્યું કે, પ્રદેશમાં બાળકોમાં નશાની સમસ્યા વધી રહી છે. બાળકો માટે સ્કૂલ કોલેજમાં અભિયાન ચલાવવામા આવે. તેનાથી શિક્ષા વિભાગ અને પરિવારજનોને ભાગીદાર બનાવવામાં આવે. કોઈને પણ કોઈ બાબત પર શંકા જાય તો સૂચના આપીને પોલીસને જાણ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારના આ નિર્ણયથી આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ફટકો પડી શકે છે. ગુજરાતીઓ છાશવારે આબુ ફરવા ઉપડી જતા હોય છે. તો બીજી તરફ, આબુ એટલે ગુજરાતીઓ માટે મીની કાશ્મીર. આવામાં ઠંડીની મોસમમાં આબુ ફરવા જવાનો ક્રેઝ વધુ હોય છે. ત્યારે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ગુજરાતીઓને ફટકો પડશે.