Site icon Revoi.in

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શાબ્દીક યુદ્ધઃ શિંદે ગ્રુપના મહાવિકાસ અઘાડી ઉપર પ્રહાર

Social Share

મહારાષ્ટ્ર (મહારાષ્ટ્ર)માં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર પક્ષના ધારાસભ્યોનું જૂથ આસામના ગુવાહાટી શહેરમાં છે. બીજી તરફ રાજનીતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના પર એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે.

એકનાથ શિંદેએ ટ્વીટ મારફતે સંજય રાઉતને ટેગ કરીને કહ્યું છે કે, બાળાસાહેબ ઠાકરેની શિવસેના મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ સાથે કેવી રીતે જઈ શકે છે. અમે આનો વિરોધ કરીએ છીએ, તેથી અમે આવું પગલું ભર્યું છે. એટલું જ નહીં અમે તેના માટે મરવા માટે તૈયાર છીએ.

એકનાથ શિંદેએ ટ્વીટ કરીને લખ્યું, ‘બાળાસાહેબ ઠાકરેની શિવસેના એ લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે જેમના મુંબઈ બોમ્બ ધડાકાના ગુનેગારો, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોની હત્યા માટે જવાબદાર લોકો સાથે સીધા સંબંધ હતા. એટલા માટે અમે આવું પગલું ભર્યું, આના કરતા તો મરવું સારુ. આ સાથે જ શિંદેએ તેમના આગામી ટ્વીટમાં લખ્યું, ‘હિંદુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વના વિચારો માટે અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે આપણે મરી જઈએ તો સારું. જો આવું થશે, તો અમે બધા તેને આપણું ભાગ્ય ગણીશું.

તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ નિવેદન આપતા સંજય રાઉતે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને જીવતી લાશ કહ્યા હતા. વિવાદાસ્પદ નિવેદન આપતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘જે 40 લોકો ત્યાં છે તે જીવતી લાશો છે. આ મૃત છે. તેમના મૃતદેહ અહીં આવશે. તેમનો આત્મા મરી ગયો છે. આ 40 લોકો જ્યારે ઉતરશે ત્યારે તેઓ મનથી જીવિત નહીં હોય. તેઓ જાણે છે કે આ આગથી શું થઈ શકે છે.