પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં મદદ કરવા વિનંતી કરી છે કારણ કે મૂશળધાર વરસાદના પરિણામનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જેણે ગત મહિનાથી ભારે પૂરને કારણભૂત બનાવ્યું છે, જેમાં 900થી લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતા વચ્ચે વરસાદ અને પૂરના કારણે પણ ભારે વિનાશ થયો છે. જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી છે.
શરીફ સરકારે કહ્યું છે કે, દક્ષિણ એશિયામાં જળવાયુ પરિવર્તનની વિનાશક અસરોથી પાકિસ્તાન પ્રભાવિત થયું છે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયે તેની મદદ માટે આગળ આવવું જોઈએ. બીજી તરફ, સિંધ, બલૂચિસ્તાન અને પંજાબ પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણે મોટી તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફતના કારણે ખૈબર પખ્તુનખ્વામાં પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે.
સત્તાવાર રીતે જાહેર કરાયેલ આંકડા મુજબ, આ દુર્ઘટનાને કારણે 900થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 3 કરોડ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ખેતી અને પશુધનને પણ ભારે નુકસાન થયું છે. સેંકડો મકાનો અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.