Site icon Revoi.in

રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકોએ લાઇસન્સ લેવું પડશે, નવો કાયદો ઘડાશે

Social Share

અમદાવાદઃ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઢોરને કારણે સર્જાતા અકસ્માતથી સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાઇસન્સ અપાશે અને લાઇસન્સ નહીં હોય તેવા માલિકોના પશુઓને જપ્ત કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  હાલની જોગવાઈઓ મુજબ મહાનગરોમાં ઢોર રાખી શકાતાં નથી, પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાઓ દ્વારા તેના ચુસ્ત અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે, જેથી શહેરી વિસ્તારોમાં ઢોરનો પ્રશ્ન આયોજનબદ્ધ રીતે ઉકેલાય અને પશુપાલકોને શહેરની બહાર પણ ખસેડવા ન પડે તે પ્રકારનું આયોજન વિચારાઈ રહ્યું છે. આ માટે લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે પશુપાલકો શહેરમાં પશુઓને રાખી શકાય તે માટેની યોગ્ય અને નિયમાનુસારની જગ્યા ધરાવતા હશે તેમને જ લાઇસન્સ ઇશ્યૂ કરી આપવામાં આવશે.

પશુપાલકો પાસે આ જમીન કાયદેસરની હશે તેને જ લાયસન્સ અપાશે. અને તેમાં પશુઓ મુક્ત રીતે હરીફરી શકે, તેમના ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે તેવી સુવિધા રાખવાની રહેશે. આસપાસના વસાહતીઓ અને ટ્રાફિકને અડચણ ન થાય તે સહિતની શરતો મૂકવામાં આવશે. શરતોના ભંગ બદલ કાયદામાં સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું કે, વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને વિસ્તૃત આયોજન કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરી વિસ્તારોમાં પશુપાલકોને માટે લાયસન્સ ફરજિયાત લેવાનો કાયદો ઘડવામાં આવશે. સરકારે આ મુદ્દે  સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી લીધી છે.