1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન પશુધનની વસતી ગણતરી કરાશે
ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન પશુધનની વસતી ગણતરી કરાશે

ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન પશુધનની વસતી ગણતરી કરાશે

0
Social Share

ગાંધીનગરઃ દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે. આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-2024 દરમિયાન સમગ્ર દેશમાં “૨૧મી પશુધન વસ્તી ગણતરી” હાથ ધરવામાં આવશે.

21મી પશુધન વસ્તી ગણતરીના અદ્યતન અને સચોટ ડેટાના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરશે. પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં, જૂની યોજનામાં સુધારા કરવામાં, પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં, આપત્તિના સમયે પશુ ચારાની આવશ્યકતા તેમજ પશુ રસીકરણ જેવી અનેક બાબતોમાં આ ડેટા આધારસ્તંભ બનશે.

પશુધન વસ્તી ગણતરી દેશમાં પશુઓની વિવિધ જાતોના સચોટ ડેટાનો મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં વર્ષ 1919થી દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં ગત 100 વર્ષથી સતત પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીમાં સામાન્ય રીતે તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે, પરંતુ 21મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, શ્વાન તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવામાં આવશે. જેમાં દેશભરની આશરે 219 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. દેશના આશરે એક લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ આ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે.

ગુજરાત રાજ્યમાં 28 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગાય સંવર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ઓલાદ, ભેંસ સંવર્ગમાં મહેસાણી, જાફરાબાદી, બન્ની અને સુરતી ઓલાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પશુધનના ડેટા એકત્રિત કરવાની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ 2,700થી વધુ અને શહેરી કક્ષાએ 1000થી વધુ ગણતરીદારો ઉપરાંત 670 જેટલા સુપરવાઇઝર જોડાશે. વસ્તી ગણતરીના ડેટાને અધિકૃત કરવા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

 પશુધન વસ્તી ગણતરી માટે ગણતરીદારો ઘરે-ઘરે જઈને મોબાઇલથી ગામ, ઘર, પશુ અને તેના માલિકની વિગતો ઉપરાંત માલિક પાસે ઉપલબ્ધ જમીન, સાધનોની વિગતો ભરશે. આ ઉપરાંત ગણતરીદાર દ્વારા ગામ-શહેરના ગાય, કુતરા સહિતના રખડતા પશુઓની પણ માહિતી મોબાઈલના માધ્યમથી એકત્ર કરવામાં આવશે. ગણતરીદાર એકત્ર કરેલી માહિતી તેના સુપરવાઇઝરને મોકલશે. સુપરવાઇઝર (પશુ ચિકિત્સા અધિકારી) એકત્ર કરેલી માહિતીને અધિકૃત કર્યા બાદ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લા નોડલ અધિકારીને મોકલી આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code