અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને ભોજન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. દર્દીઓને પોષ્ટીક ભોજન મળે તે માટે નિયમો હોવા છતાયે ધ્યાન આપવામાં આવતું નથી. અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ફરિયાદ પણ કરી શકતા નથી. શહેરમાં શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં ગરોળી નીકળતા હોબાળો મચ્યો હતો. મૃત ગરોળીને લીધે દર્દીઓને અપાયેલું ભોજન ઝેરી બની જતાં ત્રણ દર્દીઓને ઝાડા-ઊલટી થતાં તાત્કાલિક સારવાર કરવી પડી હતી.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી ગરોળી નીકળતા હોબાળો મચી ગયો હતો. જે ભોજનમાંથી ગરોળી નીકળી હતી એ દર્દીઓ પૈકીના ત્રણને ઝાડા-ઊલટી થયા હતા. દર્દીઓને ભોજન મ્યુનિ.ની SVP હોસ્પિટલમાંથી મોકલવામાં આવતું હોય છે. આ ભોજનમાંથી ગરોળી નીકળતાં ફૂડ સપ્લાય કરતી કોન્ટ્રાકટર કંપની સામે અનેક સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલ તરફથી ભોજન આપવામાં આવતું હોય છે. આ ભોજન એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાંથી મોકલવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં SVP હોસ્પિટલમાં ફૂડનો કોન્ટ્રેક્ટ ધરાવતી એક કંપનીનું જમવાનું સપ્લાય થતું હોય છે. આજે શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જમવાનું આપવામાં આવ્યું હતું, એમાં મગની દાળ આપવામાં આવી હતી, જેમાંથી ગરોળી નીકળી હતી. આ ગરોળીવાળું ભોજન આરોગ્ય બાદ તરત જ ત્રણ જેટલા દર્દીને ઝાડા-ઊલટી થવાનાં શરૂ થઈ ગયાં હતાં. બે જેટલા દર્દીઓને તો ખૂબ જ ઊલટી થઈ હતી, જેને ઇન્જેક્શન આપવું પડ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળવા મામલે હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે કમિટીની મળેલી બેઠકમાં ભોજનમાંથી ગરોળી નીકળવા મામલે ચર્ચા થઈ હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે તપાસ માટે સૂચના આપી છે. અપોલો સિંદૂરી હોટલને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી SVP હોસ્પિટલમાં આ કોન્ટ્રેકટ આપવામાં આવેલો છે. છેલ્લા 5થી 6 મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન, એલજી અને નગરી હોસ્પિટલને પણ સપ્લાય કરવામાં આવે છે. દર મહિને અપોલો સિંદૂરી હોટલ કંપનીને રૂ. 40 લાખ ચૂકવવામાં આવી રહ્યાં છે.