જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શુક્રવારે અંકુશ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ગત એક સપ્તાહમાં 60થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ પુંછ, રાજૌરી અને બારામૂલા સહીત ઘણાં જિલ્લાઓમાં 70થી વધુ અસૈન્ય અને સીમાવર્તી વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબાર સંદર્ભે કહ્યુ છે કે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાનના મેંઢર, બાલાકોટ, નૌશેરા અને કૃષ્ણા ઘાટી સેક્ટરોમાં મોર્ટાર અને નાના હથિયારો દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા શસ્ત્રવિરામ ભંગનો ભારતીય સેના જોરદાર અને અસરકારક રીતે જવાબ આપી રહી છે. નૌશેરા સેક્ટરમાં રાજૌરી અને કૃષ્ણા ઘાટી, તથા મેંઢર અને બાલાકોટ પુંછ જિલ્લામાં આવે છે.
લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે કહ્યુ છે કે આજે સવારે લગભગ સાત વાગ્યે પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કરતા હુમલાની શરૂઆત કરી હતી. મનકોટ અને કૃષ્ણાઘાટી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યુ છે કે એકસાથે ઘણાં મોર્ટાર ફાયર કરવામાં આવ્યા અને ભારતીય ચોકીઓને નિશાન બનાવવા માટે નાના હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો. ભારતીય સેનાએ પણ પલટવાર કરતા પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે કાશ્મીરમાં 14મી ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં 44 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને તેના પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી શિબિર પર ભારત તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદ સીમા પર તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારથી રાજૌરી અને પુંછ જિલ્લાઓમાં ત્રણ સૈનિકોના શહીદ થવાના અને સાત લોકોના જીવ જવાના અહેવાલ છે.