અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અમદાવાદ સહિત છ શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો યાદીમાં સામવેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની અને મનસુખ માંડવિયા રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજવશે. કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી નિક્રિય છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ પણ ભાજપનો પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં પહેલા ગુજરાતનું પ્રતિનિધિ કરતા હતા. જો કે, વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી બેઠક ઉપર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પરાજીત કર્યાં હતા. તેમણે વર્ષો સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કર્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચારને તેજ બનાવવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યાં છે અને પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં અવૈસીએ પણ ચૂંટણીમાં ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ તેઓ પણ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવી રહ્યાં છે.