સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીના ગઢમાં ‘આપ’ની એન્ટ્રી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદાવારોને મેદાનમાં ઉતાર્યાં હતા. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર વિજ્ય મેળવીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધારી હતી. હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ સુરત અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પ્રવેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર જીત મેળવી હતી. જેથી કોર્પોરેશનમાં આપ હવે વિપક્ષની જવાબદારી નિભાવશે. દરમિયાન નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હરિફોને હંફાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અંબોલી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. આવી જ રીતે કોંગ્રેસના સિનિયર નેતા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમરેલીના ધારીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પોતોના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં હતા. તેમજ દિલ્હીથી આપના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને પ્રચાર-પ્રસાર કર્યો હતો.