સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કડી નગરપાલિકામાં 26 બેઠકો બિનહરિફ થતા ભાજપનો ભગવો લહેરાયો
અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વતન કડીમાં નગરપાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચુંટાયાં હતા. જેથી કડી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કડી નગરપાલિકામાં કુલ 36 બેઠકો પૈકી પાંચ વોર્ડની 20 બેઠકો તો આખેઆખી બિનહરીફ ચુંટાઈ આવી છે. તેમજ અન્ય વોર્ડની 6 બેઠકો બિનહરીફ થતા ભાજપે 24 કરતા વધારે બેઠકો મળી બહુમતી સાથે મતદાન પહેલા જ કડી પાલિકામાં વિજય હાંસલ કર્યો છે. કડીમાં છેલ્લા 35 વર્ષથી જનસંઘ અને ભાજપનું સતત શાસન છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક તથા કુંડાળ અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયાં છે.
કડી નગરપાલિકાની 36 બેઠકો પૈકી 25 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. જ્યારે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ 10 બેઠકો માટે મતદાન યોજાશે. આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોના અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતા.