સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના 200થી વધારે નેતાઓ રાજ્યભરમાં 6 હજારથી વધારે સભાઓ ગજવશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા શહેરી વિસ્તારમાં 500થી વધારે બેઠકોનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા માટે રણનીતિ તૈયાર કરી છે. રાજ્યભરમાં કોંગ્રેસના 200થી વધારે નેતાઓ 6000 જેટલી સભા-સમેલન ગજવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા 200 જેટલા નેતાઓને ચૂંટણીપ્રચારની જવાબદારી સોંપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના 200 નેતાઓ ગુજરાતમાં આવશે અને 6 હજાર જેટલા સંમેલનો કરશે. કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની બેઠક દીઠ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ પાલિકા-મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ બેઠક કરશે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટચારના આરોપ મૂકાયા છે. જ્યારે ભાજપ દ્વારા વિકાસ કરાયો હોવાના દાવા કરાયા છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના દાવાઓ પોકળ હોવાના પણ આક્ષેપો કરાયા છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કોની પસંદગી કરે છે. તે આગામી દિવસોમાં જ ખબર પડશે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. આપ દ્વારા ઉમેદવારોની પસંદગી પણ કરવામાં આવી છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતાઓ જોવા મળી રહી છે.