અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે. જેથી કોંગ્રેસના નેતાઓ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઈન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યાં છે. તેમજ અસંતોષને ડામવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યાં બાદ કોંગ્રેસમાં મોટા પાયે અસંતોષ સામે આવ્યો હતો. જેથી કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અન્ય ઉમેદવારોને ફોન ઉપર જ ફોર્મ ભરવા સૂચના આપી છે. કોંગ્રેસમાં ટિકીટ વહેંચી મુદ્દે નારાજગી સામે આવ્યાં હતા. કેટલાક આગેવાનોએ રાજીનામાં પણ ધરી દીધા છે. તેમજ કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સિમિત વચ્ચે પણ અંતર વધ્યું છે. દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું હતું. કોંગ્રેસની નેતાગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અસંતોષને દૂર કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીની પણ પ્રક્રિયા શરૂ કરી છે.
ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે અસંતોષ સામે આવતા ચૂંટણી ઈન્ચાર્જ ગુજરાત દોડી આવ્યાં હતા. તેમજ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીઓ છે તેની ચર્ચા કરવામાં આવશે. બાદમાં પ્રચાર હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ મોટી પાર્ટી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મહત્વ છે. ચૂંટણીમાં ટિકિટ તમામને નથી મળતી, નારાજગી વ્યક્ત કરવાથી કંઈ મળતું નથી. ક્યાંય ચૂક થઈ હોય તો વર્તમાનમાં સુધાર કરવાની જરૂર હોય છે. ચૂંટણીઓ આગામી 5 વર્ષમાં ફરી આવે છે. નારાજગીઓ મામલે ચર્ચા કરીશું, આનો ઉકેલ લાવવો જરૂરી છે.