અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તા. 12મી જાન્યુઆરીથી વોટીંગ મશીનનું પ્રથમ તબક્કાનું ચેકીંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોને ઓનલાઈન ઉમેદવારીની પણ સુવિધા પણ પુરી પાડવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં દોઢ લાકથી વધારે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે તેવી શકયતા છે. તાલુકા-જિલ્લા પંચાયતમાં મતદારોને બે વખત મતદાન કરવાનું હોવાથી બે મશીન મુકવામાં આવશે. જ્યાં 16 કરતા વધારે ઉમેદવારો હોય ત્યાં વધારાના ઈવીએમ ફાળવવામાં આવશે. જરૂરિયાત કરતા ઓછામાં ઓછા 10 ટકા વધારાના ઈવીએમ મુકવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 48 હજારથી વધારે મતકેન્દ્રો ઉભા કરવામાં આવે તેવી શકયતા છે.
કોરોના મહામારી વચ્ચે ઉમેદવારો ઓનલાઈન પણ ઉમેદવારી ફોર્મ ભરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેના નિયમો અને શરતો આગામી દિવસોમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.