અમદાવાદઃ ગુજરાતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની 5481 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને સેનેટાઈટર સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, 14 લાખથી વધુ યુઝ એન્ડ થ્રો હેન્ડગ્લોઝ, થર્મલગન અને ફ્રેસશીલ સહિતની સુવિધા કર્મચારીઓને પુરી પાડવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીમાં જિલ્લા પંચાયત, બે નગરપાલિકા અને છ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં 9 હજારથી વધુ કર્મચારીઓને તંત્ર દ્વારા જરુરી આરોગ્યલક્ષી ચીજવસ્તુઓની ફાળવણી કરાઈ હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને 22235 ફ્રેસશીલ, 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, 18 હજારથી વધારે એન-95 માસ્ક, 14 લાખ જેટલા હેન્ડ ગ્લોઝ અને 1186 બાયોમેડીકલ વેસ્ટ બેગ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત સેનેટાઈઝર સ્પ્રે, લીકવીડશોપ અને પીપીઈ કીટનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને કોરોનાથી રક્ષમણ મળી રહે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. લગભગ 70 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે.