સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગજવશે ચૂંટણીસભાઓ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેથી હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસે અમદાવાદ સહિત છ મનપામાં ચૂંટણીપ્રચાર વેગવંતો બનાવ્યો છે. કોંગ્રેસે અમદાવાદ શહેર માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં અમેઝિંગ સિટી બનાવવાનું વચન કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસે આ ઢંઢેરામાં શિક્ષણ, આરોગ્ય, ટેક્સ સહિત વિકાસના વાયદા કર્યા છે. શિક્ષણમાં અલ્ટ્રામોર્ડન સ્કૂલ, આરોગ્યમાં ત્રિરંગા ક્લીનીક અને પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ માફી જેવા વાયદા કરાયા છે. ચૂંટણી પ્રચારમાં ગણતરીના જ દિવસો બાકી હોવાથી પ્રચાર-પ્રસારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ 20 સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને સ્ટાર પ્રચારકો મેદાને ઉતરશે. ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા અગાઉ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સહિતના ગુજરાતના નેતાઓ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનોની પણ સમાવેશ થાય છે. ભાજપના પ્રચારકો હાલ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવી રહ્યાં છે.