સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ઉમેદવારીપત્રોની આજે ચકાસણી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે વિવિધ રાજકીયપક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. આજે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. સાંજ સુધીમાં ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ સમયમર્યાદામાં ભર્યાં હતા. દરમિયાન આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. સવારે 11થી 3 કલાક સુધીમાં ઉમેદવારોને હાજર રહેવા માટે ચૂંટણી પંચ દ્વારા તાકીદ કરવામાં આવી છે. સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે તે માલુમ પડી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે કુલ 199 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 173 ફોર્મ ભરાયા, આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે કુલ 158 ઉમેદવારોએ નોંધણી કરાવી છે.