Site icon Revoi.in

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દુર કરવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. અને પૂર્વ ઝોનની વિરાટનગર AMCની ઓફિસ ખાતે અધિકારીઓને આવેદનપત્ર આપીને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.

શહેરના વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ ઉપર સદગુરુ ગાર્ડન નજીક AMC દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રોડ ઉપર આવેલા એક મંદિરના શેડ નડતરરૂપ હોવાથી તેને દૂર કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરાટનગર વોર્ડ ઓફિસ ખાતે સ્થાનિકો અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ પણ વિરાટ નગર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. અને સબંધિત અધિકારી સામે પગલાં લેવાની માગ કરી હતી.

આ અંગે મ્યુનિના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલું મામા દેવનું મંદિર AMCના અધિકારીઓએ કોઈપણ નોટિસ આપ્યા વિના તોડવામાં આવ્યું છે. જ્યારે મંદિરમાં સવારે પૂજા અને પ્રાર્થના થતી હતી. ત્યારે મ્યુનિસિપલની ટીમ  જેસીબી સાથે પહોંચીને  મંદિરના શેડ દૂર કરવામાં આવ્યા હતા. AMCએ પહેલા ગરીબોના મકાન તોડ્યા અને હવે લોકોની આસ્થા સાથે જોડાયેલા મંદિરોને તોડવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે કોંગ્રેસે પૂર્વ ઝોનની વિરાટનગર ઓફિસ ખાતે અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતુ. અને જે પણ સંબંધિત અધિકારી છે, તેને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.

AMCના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના વિરાટનગર વોર્ડમાં સદગુરુ ગાર્ડન પાસે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ ઉપર એક મંદિર આવેલું છે. જે જાહેર રોડની એક તરફનો આખો રસ્તો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે. વર્ષ 2016માં જે શેડ બનાવવામાં આવ્યો હતો, માત્ર તે શેડ દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. લોકોનો આસ્થાનું કેન્દ્ર એવું મંદિર કે તેના ખીજડા અને જે જૂની પરિસ્થિતિમાં છે, તેજ પરિસ્થિતિમાં રહેવા દેવામાં આવ્યું છે. માત્ર રોડ ઉપર જે અડચણરૂપ શેડને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો ફરીથી આવા પ્રકારનું અડચણરૂપ બાંધકામ કરવામાં આવશે તો તેને દૂર કરવામાં આવશે.