સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ખેડૂતો, બેરોજગારી અને મોંઘવારી પ્રચારનો મહત્વનો મુદ્દો
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતોની સમસ્યા, બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો મહત્વનો રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો આંદોલનમાં જોડાયા નથી. પરંતુ રાજ્ય સરકારની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના થયેલા ભાવ વધારાના કારણે વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ ઉપરાંત મોંઘવારીમાં પણ સતત વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મોંઘવારી, ખેડૂતોની સમસ્યા અને બેરોજગારીના મુદ્દે પ્રચાર કરી રહ્યાં છે. ખેડૂતોની સમસ્યા, મોંઘવારી અને બેકારી આ ત્રણેય મુદ્દા સામે ભાજપના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી શકતા નથી, જેનો ફાયદો વિપક્ષને થઇ રહ્યો છે. ખેડૂતો ભાજપ વિરોધી મતદાન કરે તેવો ભય પણ ભાજપને સતાવી રહ્યો છે. કોરોના મહામારીમાં 10 લાખ લોકોએ ગુજરાતમાં રોજગારી ગુમાવી હોવાનું સામે આવ્યું છે. જેથી આ મુદ્દો પણ પ્રચારમાં મહત્વનો રહેશે. જો કે, ભાજપ દ્વારા વિકાસના મુદ્દા ઉપર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે.