અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને પગલે કોઈ પણ રાજકીય પાર્ટીના પાંચથી વધારે લોકો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને કોરોના ગાઈડલાઈન જાહેર કરાઈ છે જે અનુસાર નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. કોરોનાને પગલે ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોવિડથી સંક્રમિત ઉમેદવારોએ પણ ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. ચૂંટણી મેળવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મુકવા સૂચન અપાયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે, કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન થાય તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત છ મનપામાં તા. 21 અને નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તા. 23મી ફેબ્રુઆરીના રોજ છ મનપા અને 2 માર્ચના રોજ નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયચની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.