અમદાવાદના ઈસનપુરમાં દબાણો દુર કરવા ગયેલી મ્યુનિની ટીમ સામે સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ
અમદાવાદઃ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સરકારી તળાવ અને સ્મશાન ગૃહની જગ્યા આસપાસ થયેલા દબાણોને દૂર કરવા માટે આજે દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકોએ દબાણો દૂર કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને દબાણ હટાવ કામગીરી રોકવા માટે વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટેની કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સરકારી તળાવ અને સ્મશાન ગૃહની જગ્યા આસપાસ થયેલા દબાણોને દૂર કરવા માટે આજે દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકોએ દબાણો દૂર કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો આ અંગે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે થઈ અને આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. જે પણ દબાણ કરવામાં આવ્યું છે તે લોકોને અમે નોટિસ આપી છે. જગ્યા ખાલી કરી અને જાતે તોડવા માટે જણાવ્યું હતું. દબાણો તોડવા માટે જો કોર્પોરેશનની જરૂર પડે તો પણ અમે તેમને જાણ કરી હતી. અમે માત્ર કોમર્શિયલને જ અત્યારે તોડી રહ્યા છીએ. રહેણાંક મકાનોને હાલ તોડવાની કામગીરી કરી નથી.
જ્યારે ઇસનપુર વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને જણાવ્યું હતું કે, ઇસનપુર તળાવમાં આવેલી સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે. બ્રિજ પાસે જે ટ્રાફિકની સમસ્યા થાય છે તેના કારણે રોડ ખોલવો પડે તેમ છે. રોડ કપાતમાં માત્ર દુકાનો આવે છે, તેને હાલ પૂરતી તોડવાની વાત છે. સરકારી જગ્યામાં રહેણાંક મકાનોના દબાણો છે, તેને હાલ તોડવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર દ્વારા 2009માં આ તળાવને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોપ્યું હતું. 1.14 લાખ વારની આ સરકારી જગ્યા છે અને તેમાં 30થી 40 વર્ષથી દબાણો થયા છે. સૌથી વધારે દુકાનો છે અને મકાનો ઓછા છે. બ્રિજ પાસે ખૂબ જ ટ્રાફિક થાય છે, જેથી રોડ ખોલવાની અને સરકારી જગ્યામાં દબાણોને દૂર કરવા પડે તેમ છે.