રાજકોટઃ ઓખા-દહેરાદૂન એકસપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માગ ઘણા લાંબા સમયથી ઉઠી હતી. આ અંગે વેપારીઓના પ્રતિનિધિ મંડળ અને સ્થાનિક લોક પ્રતિનિધિઓએ અનેક રજુઆતો કર્યા બાદ આખરે ઓખા દહેરાદૂન ટ્રેનને વાંકાનેર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ વિસ્તારના સાંસદ મોહન કુંડારિયાએ ઓખા-દહેરાદૂન એકસપ્રેસ ટ્રેનનાં વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજનો પ્રારંભ કરાવ્યો હતો. ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનને અપાયેલા સ્ટોપેજથી વાંકાનેર વિસ્તારના લોકોને લાભ થશે. ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસે જતા લોકોને પણ આ ટ્રેનની સુવિધા મળી રહેશે. વેપારી મંડળોએ પણ ટ્રેનને સ્ટોપેજ અપાતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
વાંકાનેર રેલવે સ્ટેશન પર યોજાયેલા સમારોહમાં સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માગ હતી કે, ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે માગણી પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર-19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 7.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 7.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર-19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ તકે નવનિયુક્ત સાંસદ કેસરીદેવ સિંહ ઝાલા પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમાર તેમજ રાજકોટ ડિવિઝનનાં સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ સાંસદ કુંડારીયાનો રેલવેની સુવિધાઓ વધારવામાં સતત પ્રયત્નો અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઓખા-દહેરાદુન સ્ટેનનું આ સ્ટોપેજ શરૂ થવાને કારણે વાંકાનેર અને આસપાસનાં ગામડાઓમાંથી મુસાફરી કરતા લોકોને મોટો લાભ મળશે.