CDS જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને લઈ જતા વાહન ઉપર સ્થાનિકોએ કરી પુષ્પ વર્ષા
દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં એક હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈનિકોનું દુઃખદ અવસાન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ પહેલા આજે નીલગીરીમાં હજારો લોકોએ ભીની આંખો સાથે આ વીર સપુતોને વિદાય આપી હતી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર જનરલ રાવત અને અન્ય સેનાના જવાનોના પાર્થિવ દેહને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે હજારો લોકો રસ્તાની બંને બાજુ ઉભા હતા. તેમજ લોકોએ પાર્થિવ દેહને એરબેઝ પર લઈ જતા વાહનો પર ફૂલોની વર્ષા કરીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજન અને અન્ય સૈન્યના જવાનોએ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 12 અન્ય મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જનરલ રાવત અને અન્યોના પાર્થિવ દેહને બાદમાં રોડ માર્ગે કોઈમ્બતુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને નવી દિલ્હી લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. આજે સંસદના બંને ગૃહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે હેલિકોપ્ટર ક્રેશની જાણકારી આપીને દેશ વતી શ્રદ્ધાંજલી પાઠવી હતી. એટલું જ નહીં બંને ગૃહમાં પણ મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આવતીકાલે દિલ્હીમાં સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.