હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન,કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ
- હિમાચલ પ્રદેશમાં પણ વધારાયું લોકડાઉન
- 14 જૂન સુધી રહેશે લોકડાઉન
- કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ
સિમલા: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા રાજ્યો હજી પણ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી.કેસોમાં ઘટાડો થયા બાદ પણ ઘણા રાજ્યો લાદવામાં આવેલા પ્રતિબંધોને આગળ ધપાવી રહ્યા છે. આ જ ક્રમમાં હિમાચલ પ્રદેશ સરકારે શનિવારે રાજ્યમાં લાગુ લોકડાઉન 14 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો, જે 7 જૂને સમાપ્ત થવાનું હતું.
મુખ્યમંત્રી જય રામ ઠાકુર દ્વારા તેમના પ્રધાનમંડળ સાથે મળેલી બેઠકની અધ્યક્ષતા પછી, જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યમાં ‘કોરોના કર્ફ્યુ’ 14 જૂન સવારે 6 વાગ્યા સુધી વધારવામાં આવશે. કોરોના કર્ફ્યુમાં કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. 14 જૂન સુધી જાહેર પરિવહન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ અને કોચિંગ સંસ્થાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે.
બેઠક દરમિયાન કેબીનેટએ એવો પણ નિર્ણય લીધો છે કે, કોરોનાથી સાજા થયેલા અને હોસ્પિટલમાંથી રજા આપતા દર્દીઓને ટેલિફોનિક પરામર્શ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સાથે સરકાર કોરોના રસી બનાવતી કંપનીઓ પાસેથી વધુ રસી ખરીદવાના વિકલ્પોની શોધ કરશે. શરૂઆતમાં હિમાચલ સરકારે હિમાચલ પ્રદેશ સ્કૂલ બોર્ડની વર્ગ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.