સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના લોક થયેલા દરવાજા ખૂલ્યા નહીં, પ્રવાસીઓ બન્યા પરેશાન
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને ટ્રાફિક પણ સારોએવો મળી રહી છે. આ ટ્રેનના કોચના દરવાજા વેક્યુમ સાથે હાઈડ્રોલીક હોય છે. ટ્રેન ઉપડતાના સમયે દરવાજા લોક થઈ જાય છે. અને ટ્રેન જ્યારે સ્ટેશન પર ઊભી રહે ત્યારે જ દરવાજા ખૂલતા હોય છે. હવે બન્યું એવું કે, અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ કોચના દરવાજા ન ખૂલતા પ્રવાસીઓ એક કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચે છે. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખૂલતા મુસાફરો સ્ટેશન પર ઊતરવા માટે પરેશાન બન્યા હતા. દરમિયાન ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખૂલ્યા નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ પ્રવાસીઓ સી-14 કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે દોડી આવ્યો હતો. વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી. પ્રથમ સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલીને પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ દરવાજાની મરામત કરીને વંદે ભારત ટ્રેનને મુંબઈ જવા રવાના કરી હતી. (File photo)