અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની ગરમી સાથે જ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજીબાજુ આગામી બે મહિનામાં તીડના ટોળાં ગુજરાત પર ચડી આવે તેવી શક્યતા છે. હાલ તીડના સંખ્યાબંધ ઝુંડ ઈરાનથી આગળ વધીને પાકિસ્તાન તરફ આવી રહ્યા છે. જે બે મહિનામાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ બાદ ફરી તીડનું ઝુંડ દેશના ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ ઝુંડ હાલ ઇરાનના સમુદ્રી કિનારવાળા વિસ્તારમાં પહોંચ્યું છે. આગામી બે મહિના સુધીમાં લગભગ 1500 કિલોમીટરનું અંતર કાપી ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 200 કિલોમીટર પાકિસ્તાનમાં આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. છેલ્લા આઠેક મહિનામાં સોમાલીયા, કેન્યા, ઇથોપીયા, યમન અને સાઉદી અરેબીયા થઇને તીડનું એક ઝુંડ હાલમાં ઇરાનના સમુદ્રી કિનારાવાળા વિસ્તારમાં પહોંચ્યું છે. તીડ નિયંત્રણ વિભાગના મત્તે આ ઝુંડ ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. આગામી જૂન મહિના સુધીમાં તીડનું ઝુંડ લગભગ 1500 કિલોમીટરનું અંતર કાપી પાકિસ્તાનના હૈદરાબાદ અને કરાચી શહેર નજીક પહોંચી શકે છે. ગુજરાતથી અંદાજે 150 કિલોમીટર અને રાજસ્થાન બોર્ડરથી અંદાજે 200 કિલોમીટર દૂર આવશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન મેટીંગ સમય તીડનું ઝુંડ રાજસ્થાન, ગુજરાતની હદમાં થઇને દેશમાં પ્રવેશતું હોય છે.