Site icon Revoi.in

રાજકોટમાં PGVCLની લોકઅદાલતઃ 15,276 કેસનો નિકાલ, રૂ.816 લાખની વસુલાત

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાતા હોય છે. જેમાં ઘણાબધા કેસ કોર્ટમાં પડતર હોવાને લીધે અને આવા કેસોનો લોક અદાલત દ્વારા નિકાલ થાય તે માટે લોક અદાલતનું  આયોજન કરવામાં આવ્યું હતું.  PGVCL દ્વારા વર્ષ 2021થી 12 માર્ચ 2022 દરમિયાન આશરે 547 લીટીગેશન તેમજ 539 પ્રી-લીટીગેશનની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોક અદાલત દરમિયાન PGVCLના વીજ ગ્રાહકો સામે કોઇપણ પ્રકારની બાકી રકમ અંગેના દાખલ કરવામાં આવેલા કોર્ટ કેસો તેમજ કેસ દાખલ કરવાના બાકી હોય તેવા વીજ ગ્રાહકોને કંપનીના ધારા-ધોરણ મુજબ આપવાના થતાં ફાયદાઓ અંગે પુરતી સમજણ આપી આવા દાવાઓનું સમાધાન કરવામાં આવ્યુ હતું. લોક અદાલત દરમિયાન ઘણા વીજ ગ્રાહકો દ્વારા બાકી રકમ ભરપાઈ કરી આપવામાં આવતા તેમને નવા તેમજ પુનઃ વીજ જોડાણ વહેલી તકે આપી દેવામાં આવ્યા હતા..

PGVCL દ્વારા વીજ ગ્રાહકોના પડતર કેસોમાં સમાધાન કરીને ઉકેલ લાવવાના પ્રયાસો હોથ ધરવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં લોક અદાલતમાં સમાધાન દ્વારા સૌથી વધુ રકમની વસુલાત વર્ષ 2021-22 દરમિયાન  ચાલુ વર્ષમાં કરવામાં આવી છે. વર્ષ 2021-22 દરમિયાન લીટીગેશનના કુલ 3361 કેસોમાં રૂ. 598 લાખ તેમજ પ્રી-લીટીગેશનના કુલ 11,915 કેસોમાં રૂ. 1090 લાખની વસુલાત કરવામાં આવી છે. આમ કુલ 15,276 વીજ ગ્રાહકોએ કંપનીના નિયમ મુજબનો ફાયદો મેળવી લઇ પોતાના ઘરોમાં ફરીથી વીજ જોડાણો મેળવી લીધા છે. આવી જ રીતે PGVC દ્વારા જે ગ્રાહકોએ વીજ બીલની રકમ ભરપાઈ કરેલ ન હોય અને તેમની સામે દાવો દાખલ કરેલ હોય અને આ દાવાઓના જજમેન્ટ પીજીવીસીએલની તરફેણમાં આવી ગયેલ હોય તેવા ગ્રાહકોને પણ કંપનીના નિયમ મુજબ થતાં ફાયદાઓ અંગે સમજણ આપવામાં આવતાં આ વર્ષ દરમિયાન આવા 1835 ગ્રાહકોએ તેનો લાભ લીધો હતો.  જેના લીધે વીજ ગ્રાહકોને મળેલ લાભો બાદ કરતાં PGVCને રૂ. 816 લાખની વસુલાત થઈ હતી.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021-22 માં માત્ર છેલ્લા ક્વાર્ટરમાં 296 દરખાસ્તમાં રીકવરી કરી તેવા વીજ ગ્રાહકો પાસેથી રૂ. 300 લાખની વસુલાત થઈ છે. આ સાથે લોક અદાલતમાં કેસોના સમાધાન થવાથી કંપનીની રેવન્યુ રીકવરીને વધુ વેગ મળ્યો છે અને તેના થકી ડેબીટ એરીયર્સમાં મહતમ ઘટાડો પણ લાવી શકાયો છે.