Site icon Revoi.in

અમદાવાદના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે AMC દ્વારા 5મી ઓગસ્ટથી લોક દરબાર યોજાશે

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે  લોકો ધણી ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો રોડ રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ વગેરેના પ્રશ્નો પ્રત્યે તંત્રનું ધણીવાર ઉદાસિન વલણ જોવા મળતું હોય છે. અને રજુઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી. આથી હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી તા.5મી ઓગસ્ટથી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દરેક વોર્ડમાં એક-એક દિવસ લોક દરબારનું આયોજન કરવામાં આવશે. મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીથી લઈ દરેક વિભાગના અધિકારીઓ આ લોક દરબારમાં હાજર રહેશે અને નાગરિકો તેમના જે પણ પ્રશ્ન લઈ આવશે. તેનું સ્થળ ઉપરથી જ નિરાકરણ થાય તેવું આયોજન કરાયું છે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકો અને રોડ રસ્તા ગટર લાઈટ પાણી વગેરેના પ્રશ્નોનું નિરાકરણ થાય તેને લઈ હવે લોક દરબાર યોજવામાં આવશે. દરેક વોર્ડમાં એક-એક દિવસ લોક દરબાર કરવામાં આવશે અને નાગરિકો લોક દરબારમાં પોતાની રજૂઆત કરી શકશે. જે પ્રશ્નો અંગે અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને માહિતી લીધા બાદ ત્યાં કાર્યવાહી કરવા અંગેની સૂચના પણ આપશે. આમ નાગરિકો અને ઝડપથી તેમની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ થાય તેના માટે આ લોક દરબાર યોજવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા 28 જેટલા મુખ્ય સર્કલોને રી-ડેવલોપમેન્ટ કરવાની પણ આજે સૂચના આપવામાં આવી હતી. શહેરમાં જ્યાં પણ અકસ્માત અથવા અન્ય કોઈ કારણોસર ડિવાઈડર અને ફૂટપાથો તૂટી ગઈ છે તેને રિપેર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો અને વિવિધ જગ્યાએ જે ભંગાર પડ્યો છે, તેનો નિકાલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, તે મુજબ 500 ટન જેટલો ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરમાં પીપીપી મોડેલથી ટ્રી ગાર્ડ લગાવવામાં આવે અને વૃક્ષોનું જતન પણ તેમના દ્વારા જ કરવામાં આવે તે રીતનું આયોજન કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં સી ફોર્મને રદ કરવા અંગેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું, જેમાં બીયુ પરમિશન લેવી ફરજીયાત હતી સી ફોર્મ મેળવવા માટે બ્લુ પરમિશન ન હોય તો તેવી હોસ્પિટલોને સીલ પણ કરવામાં આવી હતી, જેના સંદર્ભે શહેરમાં 44 જેટલી હોસ્પિટલો અને જે સીલ કરવામાં આવી હતી તે હવે ખોલી દેવામાં આવશે. 50 બેડથી ઓછા બેડની હોસ્પિટલને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં.