અમદાવાદઃ શહેરના ઘણા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ અંગે ઘણીબધી ફરિયાદો હોય છે. જેમાં આકારણી ખોટી થઈ હોવાનું તેમજ ભાડુઆતો રહેતા હોય અલગ પ્રોપ્રટી બીલ સહિતના પ્રશ્નો માટે નાગરિકો દ્વારા મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્સ વિભાગને અરજીઓ કરવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઘણાં સમયથી વિવિધ અરજીઓ પેન્ડિંગ રહેવાને કારણે નાગરિકોને મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઘણી એવી અરજીઓનો સમયસર નિકાલ થતો નથી જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા AMC ઝોનલ ઓફિસ ખાતે 24 ફેબ્રુઆરીના રોજ ‘પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની તમામ ઝોનલ કચેરીઓ પર તા. 24મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા પ્રોપર્ટી ટેક્સ વિશેના લોક દરબારમાં પ્રોપર્ટીટેક્સના બિલોના નામમાં સુધારો, સ્પેલિંગમાં સુધારો, સરનામા ફેરફાર વગેરેની અરજીઓ સ્વીકારવામાં આવશે. ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે પણ ટેક્સ ધારકને તેમની ટેક્સ બાબતેની કોઈપણ ફરિયાદ હોય તો તેના જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા પછી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, AMC પ્રોપર્ટી ટેકસ વિભાગમાં મિલકતવેરાની બાકી રકમનો ચેક ટેકનીકલ ખામી અથવા બેંકની ભૂલને કારણે ચેક રિટર્ન થાય તેવા સંજોગોમાં રહેણાંક મિલકત માટે વધુમાં વધુ રૂ. 500 અને કોમર્શિયલ મિલકત માટે રૂ. 1000નો વહીવટી ચાર્જ વસૂલવાનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે. આમ, AMCના ટેક્સ વિભાગ દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ચેક રિટર્નની પેનલ્ટીમાં વ્યવહારૂ અભિગમ અપનાવીને નિર્ણય લેવામાં આવ્યો છે. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, હાલ ચેક રિટર્નના કિસ્સામાં રહેણાંક મિલકત માટે રૂ. 500 અને કોમર્શિયલ મિલ્કત માટે ચેકની રકમના 5 ટકા અથવા રૂ. 1000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે. આમ, ચેક રિટર્નના કિસ્સામાં ટેકનીકલ ખામી અથવા બેન્કની ભૂલને કારણે ચેક રિટર્ન થવાના કિસ્સામાં વ્યવહારૂ અભિગમ અપનાવીને વહીવટી ચાર્જ- દંડ નહીં વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.