લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે.
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે 2024ની લોકસભામાં ભાજપ સાથે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. શિવપાલ યાદવે કહ્યું છે કે પાર્ટી 2024માં સત્તામાં આવશે. શિવપાલના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ વધી ગઈ છે.
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે સંગમ શહેર પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસર પર શિવપાલ યાદવે 2024માં ભાજપ સાથે ગઠબંધનનો સંકેત પણ આપ્યો છે. તેમણે કહ્યું કે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી પણ પુરી જોરશોરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. આ પ્રસંગે શિવપાલ સિંહ યાદવ સપા પ્રમુખ અખિલેશ યાદવના ભત્રીજાને પણ નિશાન બનાવવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું કે જો અખિલેશ યાદવે પાર્ટીની ખામીઓ જોઈ અને ટિકિટોની વહેંચણીમાં સુધારો કર્યો હોત તો તેઓ આ સમયે સરકારમાં હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર કરવા માટે મમતા બેનર્જી, નીતિશકુમાર સહિતના રાજકીય નેતાઓે વિપક્ષને એક કરવાની દિશામાં અભિયાન શરૂ કર્યું છે.