Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

Social Share

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી મળી ચુકી છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધન આકરો મુકાબલો કરી રહ્યું છે. કોંગ્રેસ માટે પણ સારા સમાચાર આ ચૂંટણીમાં સામે આવી રહ્યા છે. કોંગ્રેસની બેઠકો વલણોમાં 100ને પાર થતી જોવા મળી રહી છે.

ઉત્તર પ્રદેશ-

80 બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં આ વખતે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની જોડી ભાજપને આકરી ટક્કર આપી રહી છે. આ રાજ્યમાં ભાજપને ઘણી આશા છે. સમાજવાદી પાર્ટી ભાજપથી આગળ જોવા મળી હતી. સમાજવાદી પાર્ટી યુપીમાં 36 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. તો કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. અમેઠી, મૈનપુર, રાયબરેલી બેઠક પરથી ભાજપ પાછળ ચાલી રહ્યું છે. ગત વખત ભાજપને અહીંથી 62 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તે આ આંકડાથી ઘણું પાછળ દેખાય રહ્યું છે.

મહારાષ્ટ્ર-

બીજું રાજ્ય 48 બેઠકોવાળું મહારાષ્ટ્ર છે. ભાજપને અહીં ઘણાં પ્રયોગો કરવા છતાં ટ્રેન્ડ્સમાં સફળતા મળતી દેખાય રહી નથી. મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન 25 બેઠકો પર આગળ છે. તો 21 બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ છે. જ્યારે બે બેઠકો પર અન્ય દળોના ઉમેદવારો આગળ છે.

રાજસ્થાન-

ત્રીજું રાજ્ય રાજસ્થાન છે, જ્યાં ગત ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વીપ કર્યું હતું. પરંતુ આ વખતે આકરો મુકાબલો દેખાયો છે. ભાજપ અહીં માત્ર 13 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 12 બેઠકો પર આગળ ચાલી રહી છે.

હરિયાણા-

વલણોમાં ભાજપ 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગત ચૂંટણીમાં તમામ બેઠકો પર એનડીએ-ભાજપનો કબજો હતો. તો કોંગ્રેસ આ વખતે ટ્રેન્ડ્સમાં 4 બેઠકો પર આગળ ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળ-

પાંચમુ રાજ્ય પશ્ચિમ બંગાળ છે. અહીં ટીએમસી 21 બેઠકો પર આગળ ચાલી રહી છે, તો ભાજપ 15 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે.