લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં
અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતને લઈને ચૂંટણીપંચ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે, સુરતએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ કમળ ભેટ આપ્યું છે. હું સુરત લોકસભા બેઠકના અમારા ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપું છું.
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જે બાદ ભાજપાના ઉમેદવાર અને અન્ય આઠ ઉમેદાવારો ચૂંટણીમાં હતા. દરમિયાન અન્ય આઠેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. સુરત કલેકટર દ્વારા મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યાં છે. ચૂંટણી પૂર્વે જ જે રીતે કોંગ્રેસે નાટક કર્યાં અને આક્ષેપ કર્યો કે, ઉમેદવારોના ટેકેદારોનું અપહરણ થયું છે. જો કે, ઉમેદવારે તેનું ખંડન કર્યું હતું. કોંગ્રેસે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
લોકસભા ચૂંટણી-2024માં ભાજપને સુરતમાંથી પ્રથમ બેઠક મળી છે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. રવિવારે કોંગ્રેસના ઉમેદવારો નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના નામાંકન રદ થયાં હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 9 માન્ય ઉમેદવારીપત્રોમાંથી 8એ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આમ દેશમાં 1951 થી 2019 દરમિયાન યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત કોઈ ઉમેદવારને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યો છે.
સોમવારે નામો પરત ખેંચવાના અંતિમ દિવસે મુકેશ દલાલ સિવાયના તમામ 8 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. તેની સત્તાવાર જાહેરાત ચૂંટણી અધિકારી દ્વારા સાંજ સુધીમાં કરવામાં આવશે. સોમવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના જયેશ મેવાડા, લોગ પાર્ટીના સોહેલ શેખ, અપક્ષ અજીત ઉમત, અપક્ષ કિશોર દયાણી, અપક્ષ રમેશભાઈ બારૈયા અને અપક્ષ ભરતભાઈ પ્રજાપતિએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. જોકે, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. અગાઉ તેમના પક્ષે પોલીસ કમિશનરને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના ઉમેદવારને અજાણ્યા નંબરો પરથી કોલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. જોકે, બાદમાં તેણે પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું.