લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે.
ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. તેમજ પોતાની જીત માટે આશીર્વાદ માંગ્યા હતા. લખનૌ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીએ રવિદાસ મેહરોત્રાને ટીકીટ ફાળવી છે. રાજનાથ સિંહ આ બેઠક ઉપરથી બે વાર ચૂંટણી જીત્યાં છે. આ ત્રીજી વાર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ ભાજપાનો ગઢ છે અને અહીંથી પહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજવાયીજી ચૂંટણી લડતા હતા.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 2019માં ચૂંટણી પંચને આપેલા ચૂંટણી એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિની માહિતી આપી છે. ચૂંટણી એફિડેવિટ મુજબ તેઓ 4.62 કરોડની સંપત્તિના માલિક છે. આમાં સ્થાવર મિલકત 2.97 છે. આ સાથે તેમના ગૃહ જિલ્લા ચંદૌલીમાં 1.47 કરોડ રૂપિયાની ખેતીની જમીન અને લખનઉના ગોમતીનગરના વિપુલ ખંડમાં 1.5 કરોડ રૂપિયાની કિંમતનું આલીશાન મકાન સામેલ છે. તેમની જંગમ સંપત્તિ 1.65 કરોડ છે. તેમની પત્ની કે સાવિત્રી સિંહ પાસે 53 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. રાજનાથ સિંહ પાસે 68 હજાર રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની પાસે 37 હજાર રૂપિયા છે.
ચૂંટણી એફિડેવિટ મુજબ રાજનાથ સિંહ પાસે કોઈ કાર નથી. તેની પાસે 32 બોરની રિવોલ્વર અને ડબલ બેરલ ગન છે. રાજનાથ સિંહ પાસે 60 ગ્રામ સોનું છે, જેની કિંમત 1.90 લાખ રૂપિયા છે અને એક રત્ન છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે. તેમની પત્ની પાસે 750 ગ્રામ વજનના સોનાના દાગીના છે, જેની કિંમત 25 લાખ રૂપિયા છે. આ સાથે પત્ની પાસે 12.5 કિલો ચાંદી છે, જેની કિંમત 5.60 લાખ રૂપિયા છે. રાજનાથ સિંહે વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે.