લોકસભા ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર, BSE પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન
મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય શેરબજારમાં ઉથાલપાથલ મચાવી દીધો છે. મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયો હતો. ઘટાડાની સુનામીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તમામ કંપનીઓના શેરો તેમની નીચલી સર્કિટ પર આવી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના કારણે શેરબજાર ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 4389.73 પોઈન્ટ ઘટીને 72,079 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE નિફ્ટી) નો નિફ્ટી 1379.40 પોઈન્ટના ઘટાડા સાથે 21,884.50 પોઈન્ટ પર બંધ થયો હતો. એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના નેતૃત્વમાં એનડીએ 400નો આંકડો પાર કરી શકે છે. પરંતુ, તે બહુમતીના આંકથી થોડી ઉપર જઈને લગભગ 300 બેઠકો સુધી મર્યાદિત હોવાનું જણાય છે.
મંગળવારે BSE પર એવું ભયંકર દ્રશ્ય હતું કે 736 કંપનીઓ લોઅર સર્કિટને સ્પર્શી ગઈ હતી અને 285 કંપનીઓના શેર 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. દેશના સૌથી જૂના એક્સચેન્જ પર આજે ટ્રેડિંગ કરી રહેલા 3,873 શેરોમાંથી 3,402માં ઘટાડો નોંધાયો છે. તેમજ લગભગ 100 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. આજે માત્ર 370 શેર જ રહ્યા હતા, જેના પર લીલો નિશાન જોવા મળ્યાં હતા.
લોઅર સર્કિટમાં ફટકો ખાનાર મુખ્ય શેરોમાં આઇનોક્સ વિન્ડ, જે એન્ડ કે બેન્ક, આલોક ઇન્ડસ્ટ્રીઝ, ટીવી 18 બ્રોડકાસ્ટ, વન 97 કોમ્યુનિકેશન્સ, એનબીસીસી, સ્વાન એનર્જી, સ્નેઇડર ઇલેક્ટ્રિક અને શક્તિ પમ્પ્સનો સમાવેશ થાય છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ આશરે રૂ. 23 લાખ કરોડનો ઘટાડો થયો છે. આટલા મોટા ઘટાડા છતાં, 119 શેરોએ તેમની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છે. આ ઉપરાંત 92 શેરો પણ અપર સર્કિટમાં પ્રવેશ્યા છે.