લોકસભા ચૂંટણીઃ વડોદરામાં 10,000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, મતદાન કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયા છે. આ અંતર્ગત વડોદરામાં પણ મતદાર જાગૃત્તિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટિમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.
આ અભિયાન હેઠળ જિલ્લાની 10 વિધાનસભામાં 14 જેટલી શાળાઓના 10,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.
લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઇપી અંતર્ગત વડોદરામાં મતદાર જાગૃતિ અભિયાન દ્વારા વધુને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
વડોદરાની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલ ખાતે 1500 જેટલા વિધાર્થીઓએ માનવ સાંકળ રચી હતી જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ કહેવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું. આ રીતે વિધાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.
દરમિયાન અધિક કલેકટર અને સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકાના અમરાપર ગામ ખાતે મતદાર જાગૃતિ અંગેની રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી અને મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. સાથોસાથ પરિવારજનો સાથે અવશ્ય મતદાન કરવા જશે તે અંગેની જાગરૂકતા ગ્રામજનોમાં ફેલાવામાં આવી હતી.
ઉપરાંતમાં જાગૃત સમાજ જાગૃત મતદાર તો મજબૂત લોકશાહી, મતદાતા જાગે અધિકાર માંગે, મત સે મત ભાગો, લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા, બુઢે હો યા જવાન સભી કરે મતદાન, વોટ એજ મારો સંદેશ, મહાદાન અન્નદાન વિશેષદાન મતદાન, તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો સૌ મતદાન કરો, લોકશાહી મૂલ્ય ચૂકવો મતદાન માટે આગળ વધો, આળસ કરીશ નહિ, ફરજ થી ડગીશ નહિ, મતદાન ચૂકિશ નહિ, જેવા વિવિધ મતદાન જાગૃતિના બેનરો, પોસ્ટર બનાવીને રેલી યોજી ગામમાં મતદાન અંગેની જાગૃતી ફેલાવી હતી.