Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસની આગેવાનીમાં 19 વિપક્ષી નેતાઓએ PM મોદીને હરાવવા મીલાવ્યાં હાથ

Social Share

દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં હતા. એટલું જ નહીં 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના કૃષિ બીલને લઈને ખેડૂતો અને વિપક્ષો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ એકત્ર થવા લાગી છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓના 19 નેતાઓની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવાના રોડમેપની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર સોનીયા ગાંધીએ બોલાવેલી વિપક્ષના નેતાઓની બેઠકમાં ડીએમકેના સ્ટાલિન, ટીએમસીના મમતા બેનર્જી, એનસીપીના શરદ પવાર, જેએમએમના હેમંત સોરેન, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ અને સીપીઆઇ(એમ)ના સીતારામ યેચુરી સામેલ થયા હતા. જ્યારે આપ અને અકાલી દળને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યાં હતા. બેઠકમાં સોનીયા ગાંધીએ ભાજપની સામે એક થવા માટે તમામ નેતાઓને અપીલ કરી હતી. એટલું જ નહીં 2024ની લોકસભાની ચૂંટણીમાં દેશના સ્વતંત્રતા આંદોલનના મુલ્યો પર ચાલનારી સરકાર આપવા માટે બેઠકમાં આયોજન કરામાં આવ્યું હતું.

બેઠક બાદ વિપક્ષના તમામ પક્ષોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 20થી 30 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં મોંઘવારી સહિતના મુદ્દા ઉપર ધરણાં, આંદોલન અને રેલીઓ કરવામાં આવશે. સોનિયા ગાંધીએ વિપક્ષને કહ્યું કે દરેક પક્ષોની કોઇને કોઇ મજબૂરી હોય છે પણ જ્યારે દેશના અસ્તિત્વ અને મૂલ્યોનો સવાલ આવે ત્યારે આ બધી જ મજબૂરીઓને બાજુમાં મુકીને એક થવું જ પડશે.

(Photo-File)