Lok Sabha Elections 2024: બે દિવસમાં ભાજપને બે આંચકા, હવે ચુરુના સાંસદ રાહુલ કસ્વાં જોડાયા કોંગ્રેસમાં
નવી દિલ્હી: રાજસ્થાનના ચુરુથી લોકસભાના સાંસદ રાહુલ કસ્વાં સોમવારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાન પર તેમણે પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. ખડગેએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પણ હાજર હતા. આ બે દિવસમાં ભાજપને બીજો આંચકો છે. આ પહેલા તેના બે સીટિંગ એમપી પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ચુક્યા છે.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ રાહુલ કસ્વાંએ કહ્યુ છે કે હું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા અને પાર્ટીના પ્રદેશ પ્રભારી સુખજિંદરસિંહ રંધાવાનો આભારી છું. હું પીએમ નરેન્દ્ર મોદીનો આભારી છું, કારણ કે મને 10 વર્ષ સુધી લોકો માટે કામ કરવાનો મોકો મળ્યો. ખેડૂતોના અવાજને નજરઅંદાજ કરાય રહ્યો છે. એવા ઘણાં મુદ્દા છે, જેના કારણે મેં કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
ભાજપ તરફથી લોકસભાની ટિકિટ કપાયા બાદ રાહુલ કસ્વાંએ નારાજગીને કારણે આ પગલું ઉઠાવ્યું છે. કોંગ્રેસમાં સામેલ થતા પહેલા કસ્વાંએ ભાજપ અને સંસદની સદસ્યતા પરથી પણ રાજીનામું આપ્યું છે.
તેમણે એક્સ પર પોસ્ટ કરી છેકે રામ-રામ મારા ચૂરુ લોકસભા પરિવાર, મારા પરિવારજનો. તમારા બધાંની ભાવનાઓને અનુરૂપ, હું જાહેરજીવનનો એક મોટો નિર્ણય કરવા જઈ રહ્યો છું. રાજકીય કારણોને કારણે આજે આ સમયે, હું ભાજપની પ્રાથમિક સદસ્યતા અને સંસદ સદસ્યના પદેથી રાજીનામું આપી રહ્યો છું.
કસ્વાંએ કહ્યુ છે કે સંપૂર્ણ ભાજપ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર પ્રગટ કરું છું, જેમણે મને 10 વર્ષ સુધી ચૂરુ લોકસભા પરિવારની સેવા કરવાનો અવસર આપ્યો. વિશેષ આભાર મારા ચૂરુ લોકસભા પરિવારનો છે, જેમણે મને હંમેશા બહુમૂલ્ય સાથ, સહયોગ અને આશિર્વાદ આપ્યો.
ભાજપે ચૂરુ સીટ પરથી નવા ચહેરા તરીકે દેવેન્દ્ર ઝાઝડિયાને ટિકિટ આપી છે. ઝાઝડિયા પેરાલંપિકમાં બે વખત ગોલ્ડ અને એક વખત સિલ્વર મેડલ જીતી ચુક્યા છે.
તો રાહુલ કસ્વાં બે ટર્મ ભાજપના સાંસદ રહી ચુક્યા છે અને તેમના પિતા રામસિંહ કસ્વાં પણ ત્રણ ટર્મ ભાજપના સાંસદ રહ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાયા બાદ રાહુલ કસ્વાંએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આખરે મારો ગુનો શું હતો, શું હું ઈમાનદાર ન હતો શું હું પરિશ્રમી ન હતો, શું હું નિષ્ઠાવાન ન હતો, શું હું દાગદાર હતો, શું મેં ચૂરુ લોકસભામાં કામ કરવામમાં કોઈ કોરકસર છોડી હતી?
ભાજપે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2 માર્ચે રાજસ્થાનની 25માંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી હતી. તેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સાથે ચાર કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ છે.
પાર્ટીએ જે સીટિંગ એમપીની ટિકિટો કાપી છે, તેમાં રાહુલ કસ્વાં (ચુરુ), રંજીતા કોલી (ભરતપુર), દેવજી પટેલ (જાલૌર), અર્જુનલાલ મીણા (ઉદયપુર) અને કનકમલ કટારા (બાંસવાડા) સામેલ છે. બાકીના સાંસદોએ નિર્ણયને માની લીધો, પરંતુ રાહુલ કસ્વાંએ બળવાખોર તેવર અપનાવતા પાર્ટી છોડી દીધી.
તેના એક દિવસ પહેલા એટલે કે 10 માર્ચે ભાજપને હરિયાણામાં પણ ઠીક આવા પ્રકારનો આંચકો લાગ્યો છે. હિસાર લોકસભા બેઠક પરથી સાંસદ બૃજેન્દ્રસિંહે પણ ભાજપને અલવિદા કહ્યુ અને તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. જો કે ભાજપે હરિયાણામાં હજી 10 લોકસભા બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરી નથી. તેના પહેલા જ સાંસદે પાર્ટી છોડી દીધી.
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ખુદ સાંસદ બૃજેન્દ્ર સિંહે એક્સ પર લખ્યુ હતુ કે મેં રાજકીય કારણોથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું છે. મને હિસારના સંસદ સદસ્ય તરીકે સેવા કરવાનો મોકો આપવા માટે હું પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.
તેમણે આગળ લખ્યુ છે કે સાથે જ હું લોકસભા સદસ્યતા પરથી પણ રાજીનામું આપી રહ્યો છું. હું હિસારની જનતાનો આભારી છું કે તેમણે મને પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો, તેમની માગણીઓને તેમના સાંસદ તરીકે ઉઠાવવાનો મોકો આપ્યો. જનસેવાના સંકલ્પને લઈને હું આઈએએસની નોકરી છોડીને રાજકારણમાં આવ્યો હતો, જે ચાલુ રહેશે. તેના પછી તેમમે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની હાજરીમાં પાર્ટી જોઈન કરી હતી.