લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસને કટ ટુ સાઈઝ કરીને મમતા BJPને ટક્કર આપવા કરી રહ્યાં છે તૈયારીઓ
દિલ્હીઃ મોદી સરકાર સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને સાઈડલાઈન કરીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસને પ્રસ્થાપિત કરવાની કવાયતમાં મમતા બેનર્જી લાગ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે મુખ્ય વિપક્ષ તરીકે પોતાને સ્થાન આપવાની યોજનાને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપીને ફરીથી સત્તા હાંસલ કરનારા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો હાલ દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. તેમજ પ્રાદેશિક પક્ષનો સાથે લાવવાની કવાયત કરી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર TMC આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીને 2024 માટે મુખ્ય વિપક્ષી ચહેરા તરીકે રજૂ કરવાની રણનીતિ તૈયાર કરી છે. આ પગલું સ્વાભાવિક રીતે કોંગ્રેસ સાથે ટીએમસીની અથડામણ તરફ દોરી જશે, કોંગ્રેસ અત્યાર સુધી પોતાને મુખ્ય વિરોધ પક્ષ તરીકે જોતી આવી છે.
ટીએમસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) રાષ્ટ્રીય સ્તરે તેના પદચિહ્નને વિસ્તૃત કરવા માંગે છે, પાર્ટીએ બંધારણમાં સુધારો કરવો પડશે. જો કે આ મામલે અંતિમ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી લેશે. પાર્ટી વર્કિંગ કમિટીના માળખામાં કેટલાક ફેરફારો લાવવામાં આવશે. હાલમાં આ સમિતિમાં 21 સભ્યો છે. પાર્ટી મેઘાલય, ત્રિપુરા, ગોવા અને આસામમાં તેનું નેટવર્ક વિસ્તરતી હોવાથી તેમાં વધારો કરવામાં આવશે.
જો કે, ટીએમસીના દિગ્ગજ નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે આનાથી પાર્ટીના ડીએનએમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ પાર્ટીના બંધારણમાં કેટલીક બાબતો બદલાશે. માત્ર પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી જ અંતિમ મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મમતા બેનર્જી સતત અન્ય રાજ્યોનો પ્રવાસ કરી રહી છે અને TMCમાં નેતાઓને જોડીને પાર્ટીને મજબૂત કરી રહી છે.