Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?
નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે.
2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની પરિસ્થિતિ લગભગ સરખી છે. 2004માં અટલ બિહારી વાજપેયી લોકપ્રિય નેતા હતા. તેવી જ રીતે નરેન્દ્ર મોદી પણ ઘણાં લોકપ્રિય નેતા છે. તે વખતે ધારણા હતી કે ભાજપને કોઈ હરાવી નહીં શકે અને આજે પણ એવી જ ધારણા છે. તે સમયે પણ સત્તામાં ભાજપ હતું અને હાલ પણ સત્તામાં ભાજપ છે. તે સમયે વિપક્ષમાં કોંગ્રેસ હતી અને આજે પણ વિપક્ષમાં કોંગ્રેસ છે.
પરંતુ આ આંકડાથી ઈતર પણ કેટલાક આંકડા છે. જે 2004 અને 2024ના આંકડાને અલગ કરે છે.
2004ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી ઘણાં લોકપ્રિય નેતા હતા. પરંતુ તેમની લોકપ્રયતા એટલી ન હતી કે જેટલી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદીને 43 ટકા અને અટલજીને ત્યારે 38 ટકા લોકો પીએમ તરીકે જોવા માંગતા હતા.જ્યારે 2004માં સોનિયા ગાંધીને 26 ટકા અને રાહુલ ગાંધીને હાલ 27 ટકા લોકો પીએમ તરીકે જોવા માંગે છે.
કોંગ્રેસ પાસે 2004માં 114 અને આજે 52 બેઠકો છે. જ્યારે ભાજપ પાસે 2004માં 182 અને હાલ 303 બેઠકો છે. 2004માં ઈન્ડિયા ગઠબંધનની સરકારો 14 રાજ્યોમાં હતી અને આજે 9 રાજ્યોમાં છે. જ્યારે ભાજપની ત્યારે 6 રાજ્યોમાં સરકારો હતી અને હાલ 18 રાજ્યોમાં છે. ભાજપને 2004માં 23.75 ટકા વોટ મળ્યા હતા અને ભાજપને હાલ 37.36 ટકા વોટ મળેલા છે. એટલે કે ભાજપના જનાધાર પર જો ધ્યાન કેન્દ્રીત કરીએ, તો આપણને ફરક દેખાશે. કોંગ્રેસે જે પ્રકારે પોતાનો જનાધાર ગુમાવ્યો છે, તેને સરભર કરવો બેહદ કઠિન છે.
કેટલાક અન્ય આંકડા પણ ભાજપના પક્ષમાં જાય છે. 1999માં 16 ટકા ભાજપસાથે હતા, તે આજે 36 ટકા થઈ ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને પહેલા 22 ટકા સમર્થન હતું, તે હવે 38 ટકા થઈ ગયું છે. ઓબીસી સમર્થન પહેલા 20 ટકા હતું, તે હવે 44 ટકા થયું છે. એસટીનું સમર્થન પહેલા 22 ટકા હતું, તે હવે 44 ટકા થયું છે. તો એસસી હવે ભાજપની સાથે 33 ટકા છે. 1999માં ભાજપ સાથે 14 ટકા એસસી હતા. કુલ વોટ શેયર 1999માં 24 ટકા હતો, જ્યારે 2019માં 37 ટકા હતો.