નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ રીતે માહોલમાં ચાલી રહ્યું છે. આઠ રાજ્યની 57 બેઠકો ઉપર મતદાન માટે સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાબીં લાઈનો લાગી છે. દરમિયાન 11 કલાક વાગ્યા સુધીમાં 27 ટકા જેટલુ મતદાન થયું છે. બિહારમાં 24.25 ટકા, ચંદીગઢમાં 25.03 ટકા, હિમાચલપ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં 22.46 ટકા, પંજાબમાં 23.91 ટકા, ઉત્તરપ્રદેશમાં 28.02 ટકા અને પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા જેટલુ મતદાન થયું હતું. સાતમા તબક્કામાં વારાણસી બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોનું ભાવી સાંજે ઈવીએમમાં સીલ થશે.
ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ મુજબ સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન થયું છે. જેમાં બિહારમાં 10.68 ટકા, ચંદીગઢમાં 11.64 ટકા, હિમાચલ પ્રદેશમાં 14.35 ટકા, ઝારખંડમાં 12.15 ટકા, પંજાબમાં 9.64 ટકા, ઓડિશામાં 7.69 ટકા, ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા અને પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા તબક્કામાં પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3 અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થયા પછી, 543 બેઠકો માટે 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની મેરેથોન મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે. 4 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.