લોકસભા ચૂંટણીઃ કર્ણાટકમાં 5.60 કરોડની રોકડ અને સોના-ચાંદીના આભુષણો જપ્ત કરાયાં
બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે કર્ણાટકમાં બેલ્લારી શહેરમાં પોલીસે દરોડા પાડીને રૂ. 5.60 કરોડની રોકડ, ત્રણ કિલો સોનુ, 100 કિલોથી વધારે ચાંદીના આભુષણો અને 68 ચાંદીના બિસ્કીટ જપ્ત કર્યાં હતા. આમ પોલીસે કુલ 7.60 કરોડની મતા જપ્ત કરીને વધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્વેલર્સની દુકાનના માલિક નરેશભાઈના ઘરેથી જંગી રકમ અને આભૂષણ મળી આવ્યાં હતા. પોલીસે જ્વેલર્સ માલિકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. સમગ્ર પ્રકરણમાં હવાલાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પોલીસે વધારે તપાસ માટે સમગ્ર મામલો આવકવેરા વિભાગને મોકલી આપ્યો છે.
અન્ય દરોડામાં 1200 જેટલી જિલેટિન સ્ટીક, વાયરનો જથ્થો અને છ જેટલા ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યાં હતા. આ પ્રકરણમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ આરંભી છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલની સામે બેંગ્લુરુના સંજયનાગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની સામે કોંગ્રેસના નેતા દિનેશ ગુંડૂ રાવ અને તેમના પરિવારજનો સામે આપત્તિજનક ટીપ્પણી કરવાનો આરોપ છે. રવિવારના રોજ કોંગ્રેસના નેતાની પત્નીએ ભાજપના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી છે.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુંટણીપંચ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બ્લેકમનીને શોધી કાઢવા માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તમામ રાજકીય પક્ષો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.