લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, સૌથી વધારે મહિલા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ
નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે આગામી શનિવારે 25મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચાર તબક્કામાં એકંદરે સરેરાશ 66 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે પાંચમાં તબક્કામાં લગભગ 62.2 ટકા જેટલુ મતદાન થયું છે. પાંચમાં તબક્કામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓએ આગળ વધીને સૌથી વધારે મતાધિકારનો ઉપોયગ કર્યો છે.
પાંચમાં તબક્કામાં પુરુષોએ 61.48 ટકા, મહિલાઓએ 63 ટકા જ્યારે ટ્રાન્સજેન્ડર્સ દ્વારા 22 ટકા જેટલુ મતદાન કરવામાં આવ્યું હતું. પાંચમાં તબક્કામાં બિહારની પાંચ બેઠકો ઉપર 57 ટકા, જમ્મુ-કાશ્મીરની એક બેઠક ઉપર 59 ટકા, ઝારખંડની 3 બેઠક ઉપર 63.21 ટકા, લદ્દાખની એક બેઠક ઉપર 72 ટકા, મહારાષ્ટ્રની 13 બેઠકો ઉપર 57 ટકા, ઓડિશાની 5 બેઠકો ઉપર 74 ટકા, ઉત્તરપ્રદેશની 14 બેઠક ઉપર 58 ટકા અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો ઉપર 78 ટકા જેટલુ મતદાન થયું હતું. બિહાર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં પુરુષ મતદારોની સરખામણીએ મહિલાઓ વધારે મતદાન કર્યું હતું.
શનિવાર, 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારોમાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.