નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પુરી બેઠકના ઉમેરદાવ સુચરિતા મોહંતીને ચૂંટણી અભિયાનમાં ફંડિગ આપવાનો ઈન્કાર કરવામાં આવતા સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને પાર્ટીને પોતાની ટીકીટ પરત કરી હતી. મોહંતીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઓડિશાના પ્રભારી ડો.અજય કુમાર દ્વારા તેમને ફંડ આપવાનો ઈન્કાર કરતા અભિયાનને ગંભીર અસર થઈ છે.
લગભગ 10 વર્ષ પહેલા રાજનીતિમાં પ્રવેશ કરનાર મોહંતીએ જણાવ્યું હતું કે, તેમણે પુરીમાં ચૂંટણી પ્રચાર માટે અનેક પ્રયાસ કર્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે અંદાજિત ઝુંબેશ ખર્ચ ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણી પોતાની રીતે ભંડોળ એકત્ર કરી શકતી ન હોવાથી, તેણીએ કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો અને પુરી સંસદીય ક્ષેત્રમાં અસરકારક ચૂંટણી પ્રચાર માટે જરૂરી પક્ષ ભંડોળ ફાળવવા વિનંતી કરી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024ની ચૂંટણીમાં જનતા ભ્રષ્ટાચારી અને કૌભાંડી પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને બીજુ જનતા દળ (BJD)ને કેન્દ્ર અને રાજ્યમાંથી બહાર કરશે અને કોંગ્રેસના પાંચ ન્યાય પત્રો અને 25 ગેરંટીઓને મત આપશે. તેમણે કહ્યું, “તે સ્પષ્ટ છે કે માત્ર ભંડોળની અછત અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે. તે પાર્ટીની ટિકિટ પરત કરી રહી છે કારણ કે પાર્ટી ફંડિંગ વિના પુરીમાં પ્રચાર કરવો શક્ય નથી.”
સુચરિતા મોહંતીએ કહ્યું કે, તે કોંગ્રેસી મહિલા છે અને કોંગ્રેસના મૂલ્યોની રાજનીતિ તેમના ડીએનએમાં છે. પુરી લોકસભા સીટ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 06 મે છે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 09 મે છે. અહીં 25 મેના રોજ મતદાન થશે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસને ગુજરાતમાં સુરત અને મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવો જ આંચકો લાગ્યો હતો.