અમદાવાદઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા. દરમિયાન લોકશાહીના અવસરમાં સહભાગી થવા થનગની રહેલા મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. કારણ કે, મતદાન કર્યા બાદ અનેક વેપારીઓએ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. હવે, અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ લિ. વતી ઉત્તમ ડેરી પણ ગરમીમાં મતદાન કરવા આવતાં મતદારોને પૌષ્ટિક છાશનું વિતરણ મતદાન મથકો પર કરશે, તે અંગેના સમજૂતી કરાર જિલ્લા ચૂંટણી અધિકારી – કલેકટર મેહુલ દવે સાથે કર્યા છે.
લોકશાહીના અવસરને વધાવવા સૌ કોઇ ઉત્સાહથી સહભાગી બની રહ્યા છે. લોકશાહીને મજબૂત કરવા માટે આધાર સ્તંભ એવા મતદારો ઉત્સાહથી મતદાન કરે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વેપારીઓ પણ સ્વયં સહભાગી થયા છે. હોટલ- રેસ્ટોરન્ટ, પીઝા હાઉસ, આઇસ્ક્રીમ એમ અનેક વેપારીઓએ જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જે વાત મતદારોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, ત્યાં તો જિલ્લા ચૂંટણી તંત્ર, ગાંધીનગરના મહત્તમ મતદાન માટેના ઉમદા પ્રયાસોને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ લિ. વતી ઉત્તમ ડેરીએ બળ પૂરું પાડતી હોય તેમ સમજૂતી કરાર કરીને ગરમીમાં રાહત આપે તેવી પોષ્ટિક છાશનું વિતરણ મતદાન કેન્દ્ર ઉપર કરવાનું બીડું ઝડપી લીધું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે સાથે આજે ડેરીના એમ.ડી મૌલિક જોષીએ કલેકટર કચેરી ખાતે આ સમજૂતી કરાર કર્યા છે. જેમાં મતદાન જાગૃત્તિ માટે પણ ડેરી તેમને આગમી દિવસમાં સહયોગ આપશે. તેની સાથે મતદાન કરવા ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરશે. ડેરીના એમ.ડી મૌલિક જોષીએ જણાવ્યું છે કે, લોકશાહી દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી મહાપર્વ કહી શકાય છે. આ પર્વની ઉજવણીમાં સર્વે મતદારો સહભાગી બને તેવી પ્રરેણા અને પ્રોત્સાહન આપવાનું ભગીરથ કાર્ય ડેરીના ચેરમેન મોહનભાઇ ભરવાડના ઉત્તમભાવ અને સહયોગથી શક્ય બન્યું છે.