લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે
અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ મત અચૂક આપવો જોઈએ. મત આપવો આપણો અધિકાર છે. 100 ટકા મતદાન થવું જોઈએ.
આ ઉપરાંત રિક્ષા ચાલકોએ નક્કી કર્યું છે કે 7મી મેનાં રોજ યોજાનારી ચૂંટણીમાં જેને મત આપવો હશે તેને મતદાન સુધી પહોંચાડશે. આ સેવા તેઓ ફ્રીમાં આપશે. એટલે મતદાનના દિવસે મત આપવા જવું હોય તો તમારે ભાડું આપવાની જરૂર નહીં પડે. સમગ્ર રિક્ષા ચાલકોનો એક જ ઉદ્દેશ્ય છે કે તમામ લોકો મત આપે. આવા ઉમદા કાર્યને સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.
રિક્ષા ચાલકોની આ પ્રકારની પહેલથી લોકો પણ ખુશ થયા છે. રિક્ષા ચાલકોના આ પ્રકારના કાર્યને સૌ કોઈ વખાણી રહ્યાં છે. આ સાથે જ રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષા પર મતદાન જાગૃતિનું પોસ્ટર લગાવ્યું છે જેથી આ રિક્ષા જ્યાં જ્યાં ફરશે ત્યાંના લોકોમાં આ પોસ્ટર જોઈને મતદાન કરવાની જાગૃતિ આવશે.
ગુજરાતમાં મતદાનને લઈને ચૂંટણીપંચ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓ સાથે મળીને મતદારોને મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.