લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું
ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની સાથે ભાજપના નેતા રમેશ મેંદોલા પણ હાજર હતા. ગુજરાતના સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ હવે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.
ઈન્દોર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ અક્ષય કાંતિનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. અક્ષય કાંતિ ભાજપમાં જોડાયા તેની પાછલ સિનિયર નેતા કૈલાશ વિજ્યવર્ગીયએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઈન્દોર કૈલાશ વિજયવર્ગીયનો ગઢ માનવામાં આવે છે. ઈન્દોર-1ના કૈલાશ વિજયવર્ગીય ધારાસભ્ય છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર અક્ષય કાંતિનો ફોટો શેર કરીને લખ્યું કે, ઈન્દોરમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિજીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સીએમ મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપામાં સ્વાગત છે.
અક્ષય કાંતિએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ભાજપાના ઉમેદવાર શંકર લાલવાની સામે હવે ખાસ કોઈ પડકાર નથી. બીજી તરફ હવે કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહે છે તે જાણી શકાયું નથી. કોંગ્રેસના સિનિયર નેતા વિવેક તંખાએ અક્ષય કાંતિના નિર્ણય લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, અક્ષય કાંતિનું ઉમેદવારી ફોર્મ પરત કરાવીને ભાજપાએ શું સિદ્ધિ હાંસલ કરી છે. સુરત અને ઈન્દોરના મતદારો સાથે લોકશાહી અન્યાય કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ પાસે હવે શું અપેક્ષા રાખીએ?(રિવોઈ)