નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 ટકા જેટલુ મતદાન થયું છે. આમ બીજા તબક્કામાં અત્યાર સુધીમાં અંદાજે 45 ટકા જેટલુ મતદાન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. આ મારો સંદેશ અમારા યુવા મતદારોને છે. તેમજ દેશની મહિલા શક્તિને ખાસ વિનંતી છે કે તેઓ મતદાન કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવે, તમારો મત તમારો અવાજ છે.
દેશના 11 રાજ્યોની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.