નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું શનિવાર પૂર્ણ થઈ ચુક્યું છે અને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ મોટાભાગની સંસ્થાઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે, ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મોટી રેલીઓ, ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યા હતા. ચાલો જાણીએ કે કયા કદાવર નેતાએ ચૂંટણી દરમિયાન કેટલી સભાઓ ગજવી છે.
પ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તો ચૂંટણી ઉત્સવ વચ્ચે પ્રધાનમંત્રીએ 75 દિવસમાં 206 રેલીઓ, કાર્યક્રમો અને રોડ-શો તેમજ લગભગ 80 ઈન્ટરવ્યૂ આપી પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે 142 રેલીઓ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભાની ચૂંટણીમાં જાહેર સભાઓની બેવડી સદી ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે માત્ર 61 દિવસમાં 204 ચૂંટણી કાર્યક્રમો કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપાના સ્ટાર પ્રચારક અમિત શાહે પણ 188 જેટલી રેલિઓ, રોડ યોજ્યાં હતા. પાર્ટીના ચૂંટણી કાર્યક્રમોને સામેલ કરતામાં આવે તો આ આંકડો વધીને 221 ઉપર પહોંચે છે. અમિત શાહે સમગ્ર ચૂંટણી દરમિયાન હવાઈ અને રોડ માર્ગે લગભગ 1.10 લાખ કિમીનો પ્રવાસ કર્યો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ લગભગ 87 જેટલી રેલીઓ કરી છે. નડ્ડાએ 2 એપ્રિલથી 30મી મે સુધીમાં 23 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રવાસ કર્યો છે. તેમણે લગભગ 123 લોકસભા બેઠકો ઉપર ભાજપાનો પ્રચાર કર્યો છે. તેમણે લગભગ 86 હજારહ કિમીનો ચૂંટણી પ્રવાસ કર્યો છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ 101 જેટલા ચૂંટણી કાર્યક્રમોમાં હાજરી આપી છે. તેમણે 94 જેટલી રેલિઓ અને સાત રોડ શો યોજ્યાં છે.
16 માર્ચથી 30 મે સુધીના 75 દિવસના સમયગાળા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લગભગ 107 ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 100થી વધુ જાહેર સભાઓ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેમના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રાએ સમગ્ર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 55 દિવસમાં 108 જાહેર સભાઓ અને રોડ શો કર્યા. પ્રિયંકાએ કુલ 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
વિપક્ષી પાર્ટીની વાત કરીએ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાજવે કુલ 251 જેટલી જનસભાઓને સંબોધિત કરી છે. બીજી તરફ બિહારના હાલના ડેપ્યુટી સીએમ વિજ્ય કુમાર સિંહાએ લગભગ 551 જેટલી નાની-મોટી સભાઓ ગજવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ 61 રેલીઓ અને રોડ શો કર્યાં છે, તેમજ તેમણે પદયાત્રાઓ પણ યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.