Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધુ એક યાદી જાહેર કરી, કિરણ ખેરને પડતા મુકાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધી એક યાદી જાહેર કરી છે. ભાજપાએ નવ જેટલા ઉમેદવારોના નામ કરવામાં આવ્યાં છે. ભાજપની યાદીમાં યુપીની 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કાપીને પાર્ટીએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય રીટા બહુગુણા જોશીને પડતા મુકીને અલ્હાબાદ બેઠક પરથી નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપના નેતા સંજય ટંડનને ચંદીગઢથી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા કિરણ ખેરની ટિકિટ રદ કરવામાં આવી છે. કિરણ ખેર 2014 અને 2019માં બે વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. જો કે, આ વખતે ભાજપાએ કિરણ ખેરને પડતા મુકીને સંજ્ય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

યુપીની મૈનપુરી સીટથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, માછલીનગરથી બીપી સરોજ અને ગાઝીપુર સીટથી પારસ નાથ રાયને ટિકિટ આપવામાં આવી છે. રીટા બહુગુણા જોશી અલ્હાબાદથી સાંસદ હતા. અલ્હાબાદના ઉમેદવાર નીરજ ત્રિપાઠી પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીના પુત્ર છે.

આ સિવાય પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અગાઉ ભોજપુરી સ્ટાર પવન સિંહને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો હતો. પરંતુ બાદમાં તેણે ટિકિટ પરત કરી હતી. ટીએમસીએ આ સીટ પરથી અભિનેતા શત્રુઘ્ન સિન્હાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.