લોકસભા ચૂંટણી: BJPએ બિહાર સહિત 4 રાજ્યમાં પાર્ટીને મજબુત બનાવવા શરૂ કર્યાં પ્રયાસ
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે અને ચાર રાજ્યોના પ્રમુખોને બદલ્યા છે. આ વર્ષે કેટલાક રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનો મોટો દાવ માનવામાં આવે છે. આ નિમણૂંકો કરતી વખતે પાર્ટીએ તમામ રાજકીય ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખ્યા છે.
ભાજપે બિહાર વિધાન પરિષદમાં પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરીને તેના બિહાર એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના લવ-કુશ (કુશવાહા-કુર્મી) સમીકરણ વચ્ચે ભાજપનું આ પગલું અસરકારક સાબિત થઈ શકે છે. કુશવાહા (અન્ય પછાત વર્ગ) સમુદાયમાંથી આવતા, સમ્રાટ ચૌધરી બિહારના પીઢ નેતા શકુની ચૌધરીના પુત્ર છે. શકુની ચૌધરી સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચૌધરી આરજેડી અને જેડીયુમાં રહી ચૂક્યા છે.
ભાજપે રાજસ્થાનમાં પાર્ટીની કમાન બ્રાહ્મણ નેતા અને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને સોંપી છે. બ્રાહ્મણ સમુદાયના સીપી જોશી 2019ની લોકસભા ચૂંટણીમાં જંગી માર્જિનથી જીત્યા અને બીજી વખત સંસદમાં પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જોશીની નિમણૂક પુનિયા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે વચ્ચેના ઝઘડાને પગલે કરવામાં આવી છે. પુનિયાની બહાર નીકળવાથી રાજેને ફાયદો થઈ શકે છે. જો કે, રાજેને સીએમ તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
ભાજપે ઓડિશામાં મનમોહન સામલ અને દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને નિયુક્ત કર્યા છે. સચદેવાની નિમણૂકને પાર્ટી દ્વારા પંજાબીઓમાં પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સચદેવાની સંસ્થા અને આરએસએસમાં સારી રીતે સ્થાપિત માનવામાં આવે છે. પાર્ટીએ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમના કામને પ્રભાવશાળી ગણાવ્યું છે.